
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ આજે હજારો પ્રવેશાર્થીઓ જેની કાગડોળે રાહ જોઇ રહ્યા હતા એ અન્ડર ગ્રેજ્યુએશનના અભ્યાસક્રમોમાં પ્રવેશનું મેરીટ તૈયાર કરવાની મેથડોલોજી જાહેર કરી છે. આ વર્ષે ધો.12 પછીના કોઇપણ અભ્યાસક્રમોમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ધો.12ના ટકાવારી (ઓવરઓલ) પરીણામના આધારે પ્રવેશનું મેરીટ લિસ્ટ તૈયાર કરશે અને એ મુજબ જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. પ્રવેશ યાદીમાં ગુજરાત બોર્ડની પ્રવેશ યાદી અલગ બનશે જ્યારે અધર ધેન ગુજરાત બોર્ડની 20 ટકા રિઝર્વ સીટો પર અલગ મેરીટ યાદી ટકાવારી પરીણામના આધારે તૈયાર કરવામાં આવશે.
વીર નર્મદ યુનિવર્સિટીએ જાહેર કરેલી મેરીટ કેલક્યુલેશન સિસ્ટમ અનુસાર બી.એસસી. સિવાયના તમામ અભ્યાસક્રમોમાં ધો.12માં જો બે કે વધુ વિદ્યાર્થીઓના ધો.12માં ટકાવારી માર્કર્સ એક સમાન હશે તો જે વિદ્યાર્થીઓના ધો.10ના માર્કર્સ ગણતરીમાં લેવામાં આવશે. ધો.10ના માર્કર્સ પણ એક સમાન હશે તો જે વિદ્યાર્થીની ઉંમર વધુ હશે તેને અગ્રીમતા આપવામાં આવશે. અને જો ઉંમર પણ એક સમાન હશે તો જે વિદ્યાર્થીએ પહેલા ફોર્મ ભર્યું હશે તેને અગ્રીમતા આપવામાં આવશે.બી.એસસી. અભ્યાસક્રમમાં જો બે વિદ્યાર્થીઓના એક સમાન ગુણ હશે તો ટાઇબ્રેકર માટે (1) પ્રેક્ટીકલ માર્કર્સ જેના વધારે હશે તેને પ્રવેશ અગ્રિમતા આપવામાં આવશે. (2) જો પ્રેક્ટીકલ માર્કર્સ પણ બન્ને વિદ્યાર્થીઓના સરખા હશે તો જે વિદ્યાર્થીએ ગણિત કે બાયોલોજી વિષયમાં વધારે માર્કર્સ મેળવ્યા હશે તેને પ્રવેશ અગ્રિમતા આપવામાં આવશે. આ સ્તરે પણ એક સમાન માર્કર્સ હશે તો ફિઝિક્સ અને એ પછી કેમેસ્ટ્રીના માર્કર્સને ધ્યાનમાં લેવામાં આવશે.
મેરીટ ગણતરીમાં રિપીટર વિદ્યાર્થીઓના માર્કર્સ કપાશે
ધો.12 પછીના અભ્યાસક્રમોમાં જે વિદ્યાર્થીઓએ એક કરતા વધુ પ્રયત્ને પરીક્ષા પાસ કરી હશે એવા પ્રવેશાર્થીનું મેરીટ ગણતરી વખતે ચોક્કસ ટકા કટ (ઓછા ગણવા) કરવામાં આવશે. જેમાં પ્રથમ પ્રયત્ને પાસ કરનારના ઝીરો ટકા, બીજા પ્રયત્ને ધો.12 પાસ કરનારના 2 ટકા, ત્રીજા પ્રયત્ને પાસ કરનારના 4 ટકા, ચોથા પ્રયત્ને પાસ કરનારના 6 ટકા અને પાંચ કરતા વધુ પ્રયત્ને પાસ કરનારના 8 ટકા મેરીટ ગણતરી વખતે કાપી લેવામાં આવશે.
ધો.12 પછીના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે અંતિમ મુદત એક સપ્તાહ લંબાવાઇ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પોતાની સંલગ્ન કોલેજોમાં ધો.12 પછીના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની મુદતમાં આજે અંતિમ વખત એક અઠવાડીયાનો વધારો કર્યો છે. હવે બી.કોમ., બીબીએ, બીએસસી, બીસીએ, બીઆરએસ જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશનું રજિસ્ટ્રેશન કરાવવાની અંતિમ મુદત તા.25મી ઓગસ્ટ 2021ની કરવામાં આવી છે. હવે પછી કોઇપણ સંજોગોમાં મુદત વધારી આપવામાં આવશે નહીં એમ યુનિવર્સિટીના સૂત્રોએ જણાવ્યું હતું.