

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સની જુલાઈ અને ઓગસ્ટની પરીક્ષાના પરિણામ તેમજ ગુજકેટના પરિણામ બાદ હવે ગુણ ચકાસણી અને OMRની નકલ માટે કાર્યવાહી શરૂ કરી છે. જેમાં 1 સપ્ટેમ્બરથી વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ માટે વિદ્યાર્થીઓને 7 સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શિક્ષણ બોર્ડ દ્વારા જુલાઈ માસમાં ધોરણ-12 સાયન્સના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી. ત્યારબાદ ઓગસ્ટ માસમાં પરિણામથી સંતુષ્ટ ન હોય તેવા નિયમિત વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી. જ્યારે તાજેતરમાં જ ગુજકેટ પણ લેવાઈ હતી. આ તમામના પરિણામ બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા છે. જોકે, ગુણ ચકાસણી અને OMRની નકલ મેળવવા માટેની કાર્યવાહી બાકી હતી. જે અંગે હવે જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જણાવાયું છે કે, ધોરણ-12 સાયન્સની જુલાઈ અને ઓગસ્ટ-2021 પરીક્ષાના પરિણામ બાદ ગુણ ચકાસણી અને OMRની નકલ મેળવવાની અરજી બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધી કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.