નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા યુજીસી-નેટ (નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ)નું પરિણામ જાહેર કરી દેવાયુ છે.જે એકંદરે ૭.૮૭ ટકા રહ્યુ છે.જ્યારે ગુજરાતી વિષયમાં ૧૦ ટકાથી ઓછા ઉમેદવારો પાસ થયા છે.
કોલેજોમાં આસિસ્ટન્ટ પ્રોફેસરો બનવા માટેની અને જુનિયર રીસર્સ ફેલોશિપ મેળવવા માટેની નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ દર વર્ષે જુન અને ડિસેમ્બર એમ બે વાર લેવાય છે. કોરોનાને લીધે દોઢ વર્ષથી પરીક્ષા જ લેવાઈ ન હતી. જેથી નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ડિસેમ્બર ૨૦૨૦ના સેશનની અને જુન ૨૦૨૧ના સેશનની પરીક્ષાઓ મર્જ સાયકલમાં એક સાથે ડિસેમ્બર-જાન્યુઆરીમાં લેવાઈ હતી. ૨૦ નવેમ્બરથી ૫ ડિસેમ્બર, ૨૪ ડિસેમ્બરથી ૨૭ ડિસેમ્બર અને ૪ જાન્યુઆરીથી પ જાન્યુઆરી એમ ત્રણ તબક્કામાં ૧૮ દિવસની પરીક્ષા દેશના ૨૩૯ શહેરોમા ૮૩૭ કેન્દ્રોમાં લેવાઈ હતી.મહત્વનું છે કે બંને સેશનની પરીક્ષા માટે નોંધાયેલા ૧૨૬૬૫૦૯ ઉમેદવારોમાંથી ૬૭૧૨૮૮ ઉમેદવારોએ જ પરીક્ષા આપી હતી.જેમાંથી ૫૨૮૫૭ ઉમેદવારો પાસ થયા છે.
જેમાં માત્ર આસિ.પ્રોફેસરની કેટેગરીમાં ૧૮૦૦૧૨માંથી ૪૩૭૩૦ ઉમેદવારો પાસ થયા છે અને જેઆરએફ તેમજ આસિ.પ્રોફેસર એમ બંને માટે પરીક્ષા આપનારા ૪૯૧૨૭૦ ઉમેદવારોમાંથી માત્ર ૯૧૨૭ ઉમેદવાર જ ક્વોલિફાઈ થયા છે.૮૦થી વધુ વિષયોમાં પરીક્ષા લેવાઈ હતી ત્યારે સૌથી વધુ કોમર્સમાં ૭૪૦૧૨ ઉમેદવારમાંથી આસિ.પ્રોફેસર માટે ૪૨૪૨ અને જેઆરએપ-આસિ.પ્રોફેસર માટે ૧૦૦૬ ઉમેદવાર પાસ થયા છે. આ ઉપરાંત કમ્પ્યુટર સાયન્સમાં ૨૧૨૬ ઉમેદવારો પાસ થયા છે. ભાષાના વિષયોમાં અંગ્રેજીમાં ૫૮૬૯૩માંથી આસિ.પ્રોફેસર માટે ૨૧૭૪ તથા જેઆરએફ -આસિ.પ્રોફેસર માટે ૩૭૫ હિન્દીમાં ૪૬૧૬૪માંથી અનુક્રમે ૩૬૨૯ અને ૮૨૦ ઉમેદવાર પાસ થયા છે.જ્યારે ગુજરાતી વિષયમાં ૧૨૯૦ ઉમેદવારમાંથી આસિ.પ્રોફેસર માટે ૯૨ અને જેઆરએફ-આસિ.પ્રોફેસર માટે ૧૯ સહિત ૧૧૧ ઉમેદવાર પાસ થયા છે.