
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીએ પોતે વિકસાવેલી સાર્વજનિક પ્રાઇવેટ યુનિવર્સિટીમાં પોતાની સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના સમાવ્યા બાદ વીર નર્મદ યુનિવર્સિટીએ રાજ્ય સરકારના પરિપત્રના આધારે સાર્વજનિક સોસાયટી સંચાલિત ગ્રાન્ટેડ કોલેજોનું જોડાણ રદ કરીને તેને પણ સાર્વજનિક યુનિવર્સિટીમાં સમાવવાનો આગ્રહ સેવતા મુશ્કેલીમાં આવેલી સાર્વજનિક સોસાયટીએ આ મુદ્દે ગ્રાન્ટેડ કોલેજોની જવાબદારી ઉઠાવવામાં અસમર્થતા વ્યક્ત કરીને તેનો રૂ.18થી 20 કરોડનો બોજો ઉઠાવી શકવામાં અશક્તિ દર્શાવી છે અને આ મુદ્દે રાજ્ય સરકાર પાસે ક્લીયર કટ સ્પષ્ટતા માગવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું સોસાયટી દ્વારા આપવામાં આવેલી અખબારી યાદીમાં જણાવ્યું હતું.

સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના હાલના પ્રથમ ઉપાધ્યક્ષ શ્રી રાજેશ દેસાઈએ કમિટીની મિટીંગને સંબોધતા જણાવ્યું કે સાર્વજનિક સોસાયટી સંસ્થા મૂળભૂત રીતે, મુખ્યત્વે દાન અને સરકારી ગ્રાન્ટના આધારે જ સસ્તુ અને સારું શિક્ષણ આપવાનું લક્ષ્ય પૂરું પાડે છે અને સંસ્થાની મૂળ અને શિરમોર પાંચ ગ્રાન્ટેબલ સંસ્થાઓ તો સવિશેષ ગ્રાન્ટ પર જ આધારીત છે જે સંસ્થાઓના કુલ ૧૧પ જેટલા કર્મચારીઓનો પગાર, ભથ્થાં વિગેરેનો નિર્વાહ તથા ગ્રાન્ટના કારણે જ નિમ્ન ફી પર શિક્ષણ લેતાં લગભગ ૮૮૦૦ જેટલા લાભાર્થી વિદ્યાર્થી અને તેનું સંચાલન કરતી સાર્વજનિક એજયુકેશન સોસાયટી માટે ગ્રાન્ટેબલ કોલેજોને સમાવિષ્ટ કરતા પહેલાં આ ગંભીર વિષયે ગુજરાત સરકારની સ્પષ્ટ બાંહેધરી લેવી આવશ્યક છે. જે વિના આ બાબતોની મોટી જવાબદારી જે લગભગ વાર્ષકિ અઢારથી વીસ કરોડની જવા થાય છે તે ઉપાડવા અસમર્થ બને.